(નોંધ: આ કોઈ બજેટનું વિશ્લેષણ નથી, મને બજેટમાં મારા ટેક્સ સ્લેબ સિવાય કઈ ખબર પડતી નથી)
ગઈ કાલે બજેટ આવ્યું અને હું ખુશ થયો. બજેટ જોઈને છેલ્લા ૪ વર્ષોથી હું ખુશ થાવ છું. એ પહેલા તો હું કમાતો નહોતો, બાપાના પૈસે તાગડધીન્ના કરતો હતો એટલે બજેટની કોઈ સીધી અસર મને પડતી નહોતી. (આ વાંચીને એવું ના વિચારવું કે મારા પપ્પાએ મને બહુ પૈસા આપ્યા હશે કોલેજમાં, મારે (રોજ ની ૪-૫ જ) ચા પણ ગણીને પીવી પડતી હતી. હા એ વાત અલગ છે કે અમદાવાદમાં ચાની કીટલી પર બેસીને ચા પીવો એટલે રાજાશાહી અને તાગડધીન્ના જ લાગે... ). હા તો આપણે બજેટની વાત કરી રહ્યા હતા, હવે એમાં એવું છે ને એમણે એટલે કે નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે અને મારા જેવાને ૨૦-૩૦ હજારનો ફાયદો થયો છે અને છેલ્લા ૩-૪ વર્ષોથી હું દર વર્ષે સરખો જ ટેક્સ ભરતો આવ્યો છું. (એનો મતલબ એવો ના નીકાળવો કે મેં છેલ્લા ૩-૪ વર્ષોમાં કોઈ પ્રગતિ નથી કરી અને હું ૪ વર્ષથી એક સરખા પગાર પર કામ કરી રહ્યો છું!!!) આ તો જેમ જેમ મારી આવક વધી રહી છે તેમ તેમ ટેક્સ સ્લેબ પણ વધી રહ્યો છે એટલે મને થયું કે નાણાં મંત્રી મારા મિત્ર લાગે છે.... :) ....
હવે આ વાત મેં મારા મિત્રને કરી તો એ હસવા લાગ્યો !!!! મેં કીધું શું થયું ભાઈ? એ કહે, તે તારી નોકરીના પહેલા વર્ષે મને શું કીધું હતું? મેં તને કેટલો ટેક્સ ભર્યો એમ પૂછ્યું ત્યારે!!! તે કીધું હતું, હું હજી ગરીબી રેખાની નીચે આવું છું અને સરકાર ગરીબો પાસે ટેક્સ નથી લેતી!!!!!
તને લાગી રહ્યો છે કે તારો પગાર વધી રહ્યો છે ને સરકાર તારો ટેક્સ ઓછો કરી રહી છે!!! એવું કઈ નથી ભાઈ, પગાર તારો એકલાનો નહિ, બધાનો જ વધી રહ્યો છે. અને સાથે મોંઘવારી પણ વધી રહી છે. તું હજી છે ત્યાંનો ત્યાં જ છે એટલે સરકાર તને હજી ગરીબ સમજીને ટેક્સમાં છૂટછાટ આપી રહી છે, સમજ્યો... આહ.... જો સામે પેટ્રોલના ભાવમાં પણ વધાર્યો કર્યોને....આ હકીકત છે.
મને નથી ખબર પણ આપણો સ્વભાવ તો ખુશ રહેવાનો છે અને ૨૦-૩૦ હજાર બચી રહ્યા છે એટલે હું ખુશ છું. એ કહે.. બસ આટલામાં ખુશ!!! મેં કીધું હા, આ સાધુ-સંતો કહે છે ને, નાની નાની વાતોમાં જ સુખ રહેલુ છે.... (પણ સાલું પછી મનમાં થયું આ જબરું છે.. નાની નાની વાતમાં ખુશ થવાનું પણ નાની નાની વાતમાં દુઃખી નહિ થવાનું? ખુશીની લાગણી ભગવાને આપી છે તો દુઃખની લાગણી પણ ભગવાન જ આપે છે ને... આનંદ પણ ભગવાનની દેણ છે તો ગુસ્સો પણ એમની જ દેણ છે.... ) તો આપણે ટેક્સ બચ્યો એ વાતે ખુશ થવાનું અને પેટ્રોલના ભાવ વધ્યા એ વાતે દુખી થવાનું..... બધી લાગણીઓનો અનુભવ કરવાનો, બરાબર ને...
ચાલો હોળીની શુભેચ્છાઓ બધાને...