થોડા મુંબઈના અનુભવો...
બીજા શહેરોની ઓફિસમાં જયારે નવા નવા માણસો મળે ત્યારે લોકો એક બીજાને કયા એરિયામાં રહે છે અને ઓફીસથી કેટલા કિલોમીટર દુર છે એવું પૂછે છે જયારે અહી મુંબઈમાં કયા એરિયા પછી બીજો સવાલ હોય છે (નજીકના) રેલ્વે-સ્ટેશનથી ઘર કેટલું દુર છે અને ઓફીસ પહોંચતા કેટલી મિનીટ લાગે છે!!!! ટૂંકમાં અહી અંતર કિલોમીટરમાં નહિ પણ મીનીટોમાં પુછાય છે.
અહી તો ઘરની જાહેરાત પણ એ રીતે આપેલી હોય છે કે સ્ટેશનથી ૫ જ મિનીટના અંતરે. જે લોકો સ્ટેશનની નજીક રહેતા હોય એ જાણે મોટી ધાડ મારી દીધી હોય એમ વટથી કહેશે કે મારું ઘર તો સ્ટેશનથી ૨ મિનીટ જ દુર છે. પછી ભલે ને ૧૦ બાય ૧૦ની ચાલીમાં રહેતો હોય. અહી સ્ટેશન પાસેની ચાલીનું ભાડું સ્ટેશનથી દુરના બંગલા કરતા વધારે હોય છે.
અહી પણ ભારતના બીજા શહેરોની જેમ લોકોને ફૂટપાથ પર ચાલવાની આદત નથી. રસ્તા પર જ ચાલવાનું અને વાહનોની ટ્રાફિકને લીધે પહેલેથી ઘટી ગયેલી ઝડપ વધારે ઘટાડવાની. જોકે એના ૨ કારણો મને મળ્યા છે, એક તો ફૂટપાથ પર પાથરણાં પાથરીને, ફૂટપાથ રોકીને, દુકાન ખોલીને બેસી ગયેલા નાના વેપારીઓ અને બીજું સલમાનખાન. સલમાનખાને રાતના ફૂટપાથ પર સુતેલા લોકોને ઉડાવી દીધા હતા એ તો યાદ જ હશે ને. એટલે ફૂટપાથ પર ચાલવાની બાબતમાં મુંબઈ અપવાદ નથી.
બીજું અહી જો તમે ઘરની બહાર ખુલ્લી હવામાં ફરતા રહો તો દર કલાકે કલાકે નહાવું પડે, સિવાય કે ડીસેમ્બર-જાન્યુઆરી મહિનો હોય અથવા તમે જન્મથી જ મુંબઈમાં રહેતા હો. બહારથી આવેલા લોકોને અહીં વધારે પરસેવો થાય છે. અહીંની હવા ભીની ભીની... ભેજવાળી છે એટલે. મુંબઈ આવ્યા પછી જ મેં ગંજી પહેરવાનું શરુ કર્યું. એટલે તમે સમજી શકો છો અહીંની આબોહવા.
જો કે અહી તમે તમને ગમે તે રૂપ ધારણ કરી શકો છો!!!! મારો કહેવાનો મતલબ છે કે તમને ગમે એ ગોવિંદા ટાઈપ કપડાં પહેરી શકો.... ગમે એ વાળની સ્ટાઇલ મારી શકો છો. અહીં તમને જોવા કોઈ નવરું નથી, સિવાય કે તમે નગ્ન થઇને બહાર નીકળો :). લોકો પાસે સમય જ નથી તમને જોવાનો. યુવતીઓ માટે ભારતમાં મુંબઈથી આદર્શ શહેર ના હોઈ શકે. બધી જ જાતની છૂટ અને કોઈ જાતની રોક-ટોક નહિ. અને શોખ પુરા કરવા માટે પૂરી આઝાદી. બધી જાતના શોખ માટે અહી ક્લાસ મળી રહે છે, મહેંદીથી માંડીને ડાન્સ સુધીના બધા.
મુંબઈમાં તમારી લાઈફ સ્ટાઇલ તમારે નક્કી કરવાની છે. અહી ૧૦ રૂપિયાનાં ૨ વડાપાવથી પણ પેટ ભરાય છે અને ૨૦૦૦ રૂપિયાનું લંચ પણ મળે છે. ૧૦૦૦ રૂપિયામાં ગટરની બાજુમાં ઝુપડું પણ મળે અને લાખ રૂપિયાનો બંગલો પણ ભાડે મળે છે. મને નથી લાગતું કે આ મુંબઈ સિવાય ભારતના બીજા કોઈ શહેરમાં તમને લાઈફ સ્ટાઇલ પસંદ કરવાની આટલી અનુકુળતા મળી રહેશે.