Saturday, February 27, 2010

નાણાંમંત્રી મારા મિત્ર લાગે છે...

(નોંધ: આ કોઈ બજેટનું વિશ્લેષણ નથી, મને બજેટમાં મારા ટેક્સ સ્લેબ સિવાય કઈ ખબર પડતી નથી)

ગઈ કાલે બજેટ આવ્યું અને હું ખુશ થયો. બજેટ જોઈને છેલ્લા ૪ વર્ષોથી હું ખુશ થાવ છું. એ પહેલા તો હું કમાતો નહોતો, બાપાના પૈસે તાગડધીન્ના કરતો હતો એટલે બજેટની કોઈ સીધી અસર મને પડતી નહોતી. (આ વાંચીને એવું ના વિચારવું કે મારા પપ્પાએ મને બહુ પૈસા આપ્યા હશે કોલેજમાં, મારે (રોજ ની ૪-૫ જ) ચા પણ ગણીને પીવી પડતી હતી. હા એ વાત અલગ છે કે અમદાવાદમાં ચાની કીટલી પર બેસીને ચા પીવો એટલે રાજાશાહી અને તાગડધીન્ના જ લાગે... ). હા તો આપણે બજેટની વાત કરી રહ્યા હતા, હવે એમાં એવું  છે ને એમણે એટલે કે નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે અને મારા જેવાને ૨૦-૩૦ હજારનો ફાયદો થયો છે અને છેલ્લા ૩-૪ વર્ષોથી હું દર વર્ષે સરખો જ ટેક્સ ભરતો આવ્યો છું. (એનો મતલબ એવો ના નીકાળવો કે મેં છેલ્લા ૩-૪ વર્ષોમાં કોઈ પ્રગતિ નથી કરી અને હું ૪ વર્ષથી એક સરખા પગાર પર કામ કરી રહ્યો છું!!!)  આ તો જેમ જેમ મારી આવક વધી રહી છે તેમ તેમ ટેક્સ સ્લેબ પણ વધી રહ્યો છે એટલે મને થયું કે નાણાં મંત્રી મારા મિત્ર લાગે છે.... :) ....
હવે આ વાત મેં મારા મિત્રને કરી તો એ હસવા લાગ્યો !!!! મેં કીધું શું થયું ભાઈ? એ કહે, તે તારી નોકરીના પહેલા વર્ષે મને શું કીધું હતું? મેં તને કેટલો ટેક્સ ભર્યો એમ પૂછ્યું ત્યારે!!! તે કીધું હતું, હું હજી ગરીબી રેખાની નીચે આવું છું અને સરકાર ગરીબો પાસે ટેક્સ નથી લેતી!!!!!
તને લાગી રહ્યો છે કે તારો પગાર વધી રહ્યો છે ને સરકાર તારો ટેક્સ ઓછો કરી રહી છે!!! એવું કઈ નથી ભાઈ, પગાર તારો એકલાનો નહિ, બધાનો જ વધી રહ્યો છે. અને સાથે મોંઘવારી પણ વધી રહી છે. તું હજી છે ત્યાંનો ત્યાં જ છે એટલે સરકાર તને હજી ગરીબ સમજીને ટેક્સમાં છૂટછાટ આપી રહી છે, સમજ્યો... આહ.... જો સામે પેટ્રોલના ભાવમાં પણ વધાર્યો કર્યોને....આ હકીકત છે.
મને નથી ખબર પણ આપણો સ્વભાવ તો ખુશ રહેવાનો છે અને ૨૦-૩૦ હજાર બચી રહ્યા છે એટલે હું ખુશ છું. એ કહે.. બસ આટલામાં ખુશ!!! મેં કીધું હા, આ સાધુ-સંતો કહે છે ને, નાની નાની વાતોમાં જ સુખ રહેલુ છે.... (પણ સાલું પછી મનમાં થયું આ જબરું છે.. નાની નાની વાતમાં ખુશ થવાનું પણ નાની નાની વાતમાં દુઃખી નહિ થવાનું? ખુશીની લાગણી ભગવાને આપી છે તો દુઃખની લાગણી પણ ભગવાન જ આપે છે ને... આનંદ પણ ભગવાનની દેણ છે તો ગુસ્સો પણ એમની જ દેણ છે.... ) તો આપણે ટેક્સ બચ્યો એ વાતે ખુશ થવાનું અને પેટ્રોલના ભાવ વધ્યા એ વાતે દુખી થવાનું..... બધી લાગણીઓનો અનુભવ કરવાનો, બરાબર ને...
ચાલો હોળીની શુભેચ્છાઓ બધાને...

Monday, February 22, 2010

મારી નજરે: યુવતા - યુવાનોને સપ્રેમ શ્રેણી...

આ પુસ્તક ૧૯૯૧માં પ્રસિદ્ધ થયું છે, યુવાનોને સપ્રેમ શ્રેણીની નીચે. આ બક્ષીના ગુજરાતી છાપાંઓમાં છપાયેલા ૨૬ લેખોનો સંગ્રહ છે યુવાનોને લગતો...
સાચું કહું તો આ પુસ્તકે મને નિરાશ કર્યો. એમાં એવું છે ને કે,  'ખાવું , પીવું , રમવું ' વાંચીને (ખાસ કરીને રમવું  વિષેના લેખોથી) મને આ પુસ્તક માટે વધારે આશા હતી. પ્રથમ લેખ, 'યુવા એટલે' વાંચીને મારી આશાઓ વધી ગઈ હતી પણ પછીના લેખોએ નિરાશ કર્યો. ગરીબજન, હાસ્ય, નિસર્ગ, અંગ્રેજી ઉપરાંત બીજા  વિચારો જે યુવાનોને કામે લાગે અથવા કેવી રીતે સરસ, મજા લેતા લેતા જીવવું એ વિષે..  પણ સામાન્ય સલાહો નથી, એ જ બક્ષીના આગવા અંદાજમાં કટાક્ષયુક્ત તીખા લેખો છે.
મને એક તો એ યુવતાવાળો લેખ ઉપરાંત રીવાને લખેલો પત્ર છે જે ખરેખર તો દરેક ગુજરાતી છોકરાઓએ  વાંચવા જેવો છે.... એ પત્ર મસ્ટ રીડ.....

Friday, February 19, 2010

આળસ... પરમ મિત્ર...

આળસ, વર્ષો નો મારો પ્રિય સાથી, જીગરજાન મિત્ર. અરે લંગોટીયો દોસ્ત કહું તો પણ ખોટું નથી. આજે જે હું છું, એ આ આળસને લીધે જ છું પણ લોકો સમજતા નથી. લોકો કહે છે કે જે હું નથી તે આ આળસને લીધે છે. 
આળસે મને કેટ-કેટલી જગ્યા એ સાથ દીધો છે. થોડાક ઉદાહરણો, 
હું આજ કાલ બહુ જાડિયો થઇ ગયો છું (જો કે પણ આ પરમ મિત્ર આળસની દેણ છે) એટલે મારા રૂમમેટ લોકો સવારમાં પરાણે જગાડે છે ચાલવા-દોડવા જવા માટે ત્યારે આ આળસ જ મને સહારો આપે છે, રૂમમેટ તો જતા રહે છે દોડવા માટે. પછી પલંગમાં આળસ જ હોય છે મારી સાથે. જે મને સવારની મીઠી નીંદર માણવા દે છે. 
બપોરે ઓફિસમાં પણ સાથીઓ જમ્યા પછી નીચે આંટો મારવાની જીદ પકડે છે ત્યારે આળસ જ મારો 
સાથ દે છે, ખુરશીમાં આરામથી બેસીને વામકુક્ષીનો મજા લેવામાં.
કોલેજમાં જયારે પરીક્ષાનું ટેન્શન હોય અને ઊંઘ ના આવતી હોય ત્યારે એ આળસ જ મદદ કરતી ઊંઘને બોલાવી લેવા માટે.
સગાં-વ્હાલાને મળવા જવાનું હોય, ખાસ કરીને પત્નીના સગાંને ત્યાં, ત્યારે, આળસને આગળ ધરીને હું ઘણી વાર કંટાળાજનક વાતાવરણમાં જતા બચ્યો છું. અને સગાં-વ્હાલાને ત્યાં જવાની આળસને લીધે પેટ્રોલની પણ ઘણી બચત થાય છે જે દેશના પણ ફાયદામાં છે.
રોજના ઘણા કામો એકદમ ચોક્કસ સમય પર થતા હોય છે એનું કારણ પણ આળસ છે કેમકે સમય કરતા પહેલા બધું નકામું છે એ નિયમમાં આળસ માને છે. જેમકે વીજળીનું બીલ એની છેલ્લી તારીખ પહેલા ભરવા જતા આપણને કોઈ ફાયદો થતો નથી અને આળસને લીધે આપણે એ છેલ્લી તારીખે જ ભરીયે છે.
રોજ મોજા અને રૂમાલ અને બીજા કપડા ધોવાની આળસને લીધે સાબુ અને સમયની ઘણી બચત થાય છે.
આળસ ઘણા ગુજરાતી પુરુષોનો પરમ મિત્ર હોય છે અને એમાં ફાળો હોય છે ગુજરાતની ગૃહિણીઓનો. એમ જ આળસને મારો પરમ મિત્ર બનાવામાં મારી પત્નીનો પણ ઘણો ફાળો છે. સવારમાં ઉઠતો ત્યાં જ પથારીમાં ગરમા-ગરમ ચા આપી દેતી, જમવામાં પણ પાણીનો ગ્લાસ પણ ના લેવો પડે, બધું જ તૈયાર ભાણે. ઓફિસે જવાનું હોય ત્યારે પાકીટ, બેગથી લઇને મોજા, બુટ બધું જ તૈયાર હોય. 
હવે જયારે એ સુરતમાં છે અને હું મુંબઈમાં, ત્યારે આળસ જ સાથ આપી રહ્યું છે, જો કે તકલીફ પણ થોડી આપે છે સાથે સાથે. પણ તકલીફ પણ મિત્રો જ આપે ને. આ તો શું હવે સવારે જાતે ચા બનાવી પડે ને એટલે. ત્યારે આળસને થોડી ગાળો દેવી પડે, પણ પછી ગાળો પણ તો આપડે દોસ્ત લોકોને જ આપીએ ને. આમ પણ બીજા લોકોને ગાળ દેવાની હિંમત નથી મારી, મને જ ભારે પડે એ તો. 
પણ આળસ ખાસ ચીપકું મિત્રની જેમ પીછો નથી છોડતું મારો જેમ પરમ મિત્ર આપણો મુશ્કેલીમાં સાથ ના છોડે એમ.નોકરીઓ બદલી, શહેરો બદલ્યા,ઘણા મિત્રો છૂટી ગયા, ઘણા હજી ફોનેથી સપંર્કમાં છે પણ એક આળસ જ છે જે દરેક જગ્યાએ, દરેક શહેરમાં મારી સાથી રહી છે.
ચાલો હવે, આળસ આવી રહી છે વધારે લખવાની.... :) ...

Sunday, February 14, 2010

My View: How to Get from Where You Are to Where You Want to Be - Jack Canfield

This book is written by well known author, Jack Canfield. He is co-author of very famous book, The Chicken Soup for The Soul. Book was published in 2005 and New York best seller.
25 Principles took me 1 and half month to complete…. Reason is that it’s not a novel and it’s boring (For me) and result of the book, Last statement of book tells it all, ‘You and you alone are responsible for taking the actions to create the life of your drams. Nobody else can do it for you.’ Then why, why I read this book….. ;) I knew all principle well before reading the book, already read it in newspaper columns, not all at ones but randomly…. The only problem is implementation and that still exist…. Me still trying… What Book says is simple, follow your heart, don’t think too much, just start taking action, just do it, don’t blame others, stick to your dreams and blah blah.. but saying is simple and doing is difficult otherwise, 'में कहा का कहा पहुँच गया होता, अगर किताब पढ़ने से कुछ हो सकता....' :)
And the title says, ‘How to get from where you are to where you want to be’…. Hmmmm… Actually I don’t know where I want to be… Right now Where I am, I never dreamt of. And I don’t know where future lies for me and that’s interesting part as Life is more fictional then book or your thoughts….
Anyways If you need some inspiration and till date, never read any motivation articles or book then try this book otherwise skip it and just start taking action. But ya, its best seller so just keep mind that.
I wonder, most successful people mentioned by author ever read this type of books!!! Just a thought….

Friday, February 12, 2010

મારી નજરે: ખાવું, પીવું, રમવું...

બક્ષીનું વાગ્દેવી શ્રેણીનું આ પુસ્તક ઓક્ટોબર, ૧૯૯૮ માં પ્રકાશિત થયું હતું.
નામ પ્રમાણે જ ખાવા, પીવા અને રમતવીરો વિષેનો વાતો છે એ જ બક્ષીના આગવા અંદાજમાં. બક્ષી કેટ-કેટલું ફર્યા હશે, કેટ-કેટલી જાતનું ભોજન આરોગ્યું હશે. અને જો જાતે ગ્રહણ નહિ કર્યું હોય તો પણ કેટલું વિશાળ વાંચન કર્યું હશે... ખરેખર લેખક એમ ને એમ થોડા થવાય છે અને અમારા જેવા આ જે મનમાં આવે એ ૨-૪ બ્લોગ લખીને પોતાની જાતને લેખક સમજવા લાગ્યા છે :)....
અને રમતવીરો માટે તો લખતી વખતે ખરેખર એમને ગુજરાતીઓની શબ્દોથી જ ચામડી ઉતારી લીધી છે.. હૃદય સોંસરવી ઉતરી ગયી છે મારા જેવા જાડિયાને માટે તો. ગુજરાતીઓ, શરીરપ્રેમી નહિ પણ પૈસાપ્રેમી છે.. અને એટલે જ એમના માટે ક્રિકેટની રમત ઠીક છે, ફૂટબોલની વાતો ગુજરાતીઓ આગળ કરવી નહિ અને એવું બધું...
એમણે ૧૯૯૧-૧૯૯૨ના ભારતના ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ પ્રવાસ વિષે પણ ઘણું બધું કટાક્ષમાં લખ્યું છે... ખબર નહિ પણ એમણે ૨૦૦૧-૨૦૦૬ના સમયમાં ભારતીય ટીમના વિદેશ પ્રવાસો વિષે પણ લખ્યું હશે ક્યાંક... તો એમની પ્રશંક્ષા-પરસ્તી વાંચવાની પણ મજા પડી જશે.. ગાંગુલીની લડાયકતા અને દ્રવિડ વિષે... કાશ...
આ પુસ્તક વાંચ્યા પછી એટલું સમજાયું કે બક્ષીને વાંચવા કેમ ગમે છે મને ... કેમ કે અમારા વિચારો ઘણા મળતા આવે છે.. :) ... ચેતન ભગત એ આજની પેઢીમાં એટલે જ વંચાય છે કે એ આજની પેઢી વિચારે છે એવું એ લખે છે....
બક્ષીના આશીકોને તો ચોક્કસ ગમે એવું.. બીજામાં ખાવા, પીવા ને રમવાવાળાને ગમે એવું.. :)

Tuesday, February 2, 2010

થોડી દુષ્ટતા

ટ્રેન આવી અને હું મારી જગ્યા પર જઈને બેઠો. હું હમેંશા લોઅર સીટ જ બૂક કરાવું છું કેમકે મારે ૪ કલાકની જ મુસાફરી હોય છે અને સુરત રાતના ૪ વાગે આવે એટલા માટે. એક સરસ યુગલ આવ્યું, ૨૭-૨૮ વર્ષનો યુવક અને ૨૫-૨૬ વર્ષની યુવતી. એમની સીટ એક સૌથી ઉપરની અને એક વચ્ચેની હતી.
યુવકે મને કહ્યું, તમે એકલા છો? મે કીધું હા.
તો મને કહે તમે પ્લીઝ, ઉપર જતા રહેશો?
વિચારો મેં શું કીધું હશે, ના. મોટી ના. અને સાથે સોરી પણ ના કીધું.
હવે તમે વિચારતા હશો કે કેવો દુષ્ટ માણસ છે નહિ!!! એ યુગલે પણ એવું જ વિચાર્યું હશે, કારણકે પછી એ લોકો જે રીતે, જે નજરથી મારી સામે જોતા હતા... ખુન્નસથી પણ જોવાની એક રીત હોય છે. જે પરણેલા હશે એ પુરુષોને એમની પત્નીનો આવો ખુન્નસ લુક ખબર જ હશે. જયારે તમે એવી હિમ્મંત કરી હોય કે પત્નીની કોઈ વાત સાથે સહમત ના થયા હોય અથવા વિરોધ કર્યો હોય (જોકે મારે તો એવી હમ્મંત ભાગ્યે જ થાય છે) ત્યારે પત્ની કઈ બોલશે નહિ (જો સંસ્કારી હશે તો) પણ આંખો આડી-અવળી કરીને ભ્રમરો ઊંચી કરીને, હોઠ બીડીને જોતી હોય એવો કૈક લૂક આ લોકો મને આપી રહ્યા હતા. વાહ... એ લોકો પણ સુરત જ ઉતારવાના હતા અને સવારે ૪ વાગ્યે પણ એ મને એ જ નજરથી જોઈ રહ્યા હતા. અને સાચું કહું તો મને ખરેખર મજા પડી રહી હતી. હું પણ એમની સામે જોતો હતો અને મારા મુખ પર, લુચ્ચું હાસ્ય જેવું કૈક હતું. એ વિચારતા હશે, કેવો નાલાયક માણસ છે, યુવાને તો મને કેટલીય ગાળો મનમાં આપી દીધી હશે. છોકરીએ પણ છોકરીઓ આપે એવી ગાળો, ગધેડો, કુતરો એવી બધી મનમાં આપી જ હશે. અને મને આ બધા વિચારો કરીને વધારે મજા આવી રહી હતી. હવે તમે પણ વિચારતા હશો કે બહુ વિકૃત મગજનો માણસ છે આ......
વેલ, તમે થોડાક સાચા છો, વિકૃતની તો ખબર નહિ પણ હા વિચિત્ર મગજનો ખરા.... જોકે મને તો હું નોર્મલ જ લાગુ છું પણ આ તો મારા નજીકના મિત્રોના પ્રતિભાવો પરથી કહું છું.
હવે આવી દુષ્ટતા કરવાનું કારણ પણ જણાવી દઉં. હું દર અઠવાડિયે સુરત આવું છું. અને હું લોઅર સીટ જ બુક કરવું છું. મોટેભાગે હું એકલો જ મુસાફરી કરતો હોવ છું અને એટલા માટે મારે કાયમ જ સીટ બદલાવાની આવે છે, ક્યારેક કોઇક ઉમરલાયક માણસો આવી ગયા હોય જેમને ઉપરની સીટ પર જવામાં તકલીફ પડે એમ હોય અથવા કોઈ મોટું કુટુંબ હોય જેમની ટીકીટો અલગ અલગ હોય અને એમને ભેગા બેસવું હોય. ગયા અઠવાડિયે આવું જ કૈક થયું. એક જૈન કુટુંબ હતું, ૮ જણા હતા એટલે ૬ સીટ ભેગી અને ૨ અલગ હતી, અલગ એટલે ૫ ડબ્બા અલગ હતી. એમણે મને ટ્રેઈનની અંદર સામાન સાથે ૫ ડબ્બા ચલાવ્યો. હવે એ લોકોને જવાનું સુરત જ હતું, 4 કલાકમાં તો ખબર નહિ જાણે શું વાતો કરી લેવાના હશે તે બીજાને હેરાન કરે બોલો.
મેં આજ સુધી કોઈને ક્યારેય સીટ બદલવા માટે નથી કીધું. જે સીટ આવી એ આપણા નસીબ અને રીન્કુ સાથે હોય તો બહુ આગળથી જ ટીકીટ બૂક કરાવી હોય જેથી લોઅર સીટ મળી જ જાય.
મને બહુ ગુસ્સો આવ્યો હતો એ વખતે અને મેં નક્કી કરી લીધું હતું, આ વખતે હું સીટ નહિ બદલાવું. અને પાછુ આ યુગલ તો જવાન હતું અને યુવતીએ સાડી નહિ પણ જીન્સ પહેર્યું હતું જેથી ઉપરની સીટ પર જવામાં કઈ તકલીફ પડે એવું હતું જ નહિ. એટલે થોડો વધારે ગુસ્સો હતો.
હવે ગુસ્સાનું તો ઉર્જા જેવું છે. જેમ ઉર્જા ક્યારેય નષ્ટ થતી નથી, ફક્ત એનું સ્વરૂપ બદલાય છે. એવું જ કૈક ગુસ્સાનું છે. તમને કોઈ બીજા પર, કોઈ બીજી સ્થિતિ પર ગુસ્સો હોય પણ ત્યાં આપણે ગુસ્સો કરી શકીએ એમ ના હોય, ક્યાંક વળી ગુસ્સો કરવાથી આપણને જ ભારે પડે એમ હોય એટલે પછી જે કોઈ મળે ગુસ્સો કરવાલાયક તેના પર એ વરસી પડીએ....
હવે ગુસ્સો ઓછો થઇ ગયો છે અને ગુસ્સાની મજા પણ લઇ લીધી છે તો આ વખતે સીટ બદલવામાં વાંધો નહિ..... :) હું એટલો બધો પણ ખરાબ માણસ નથી હો કે...