Labels

Friday, November 27, 2009

મારી નજરે પુસ્તક: સ્ટાર્ટર

સ્ટાર્ટરએ બક્ષી દ્વારા ૨૦૦૫માં લખાયેલી છે. આ પુસ્તકમાં ૨૦૦૪-૨૦૦૫માં દિવ્ય ભાસ્કર, ઇન્ડિયા ટાઈમ્સમાં છપાયેલી કોલમોનો સંગ્રહ છે જે મને હમેંશા વાંચવાની મજા પડી છે... મને યાદ છે, એ કોલેજમાં હતો ત્યારે રવિવારે પહેલા આ કોલમ વાંચી જતો છાપામાં અને પછી બીજા રવિવાર સુધી રાહ જોવાની :( ... એટલે આ પુસ્તકમાં એક સાથે આટલી બધી કોલમો વાંચવા મળી એટલે મેં ૧૬૦ પાનાનું પુસ્તક ૨ દિવસમાં પૂરું કરી દીધું અને મજા મજા પડી ગયી....

Sunday, November 22, 2009

મારી નજરે પુસ્તક: બક્ષી - એક જીવની

આ પુસ્તક જયંતીલાલ મહેતા દ્વારા ૧૯૯૨માં લખવામાં આવ્યું છે. એ પોતે બક્ષીજીના ખાસ મિત્ર છે અને બક્ષીજીએ લખવાનું શરુ કર્યું ત્યારથી તેમને ઓળખે છે. આ પુસ્તકમાં બક્ષીના જીવન વિષે ટુંકાણમાં પણ માફકસરની માહિતી આપવામાં આવી છે અને એમણે લખેલા પુસ્તકો વિષે વિસ્તારથી લખ્યું છે. સાહિત્યને લગતી ટેકનીકલ બાબતો વિષે પણ લખેલું છે જે અમારા જેવા સાહિત્યના નોન-ટેકનીકલ માણસો માટે થોડું કંટાળાજનક છે. મહેતાસાહેબ પોતે સારા વિવેચક છે અને બક્ષીજીના પુસ્તકો વિષે સારું એવું વિવેચન કરીને લખેલું છે. તો જે લોકોને બક્ષીનામા જેવું લાંબા પુસ્તકો વાંચવાનો કંટાળો આવતો હોય એમના માટે બક્ષીજીને જાણવા માટે આ પુસ્તક ઉપયોગી થઇ પડશે, માત્ર ૩૨૦ પૃષ્ઠો જ છે. આ ઉપરાંત બક્ષીજી એ લખેલા પુસ્તકોનું પણ સારું એવું વિવેચન-માહિતી આપેલી છે તો બક્ષીજીના કયા પુસ્તકો વાંચવા એ માટે પણ આ પુસ્તક ઉપયોગી છે. જો કે મારો વિચાર તો બક્ષીજીના બધા જ પુસ્તકો વાંચવાનો વિચાર છે :) ...

Saturday, November 21, 2009

પ્રોફેશનાલીઝમ અને માનવતા

રાત્રે હું ૮ વાગ્યાની ટ્રેઈનમાં સુરત આવવા માટે ચડ્યો. મારી ટીકીટ કન્ફર્મ હતી, સ્લીપર ક્લાસમાં અને મને બહુ ઊંઘ આવી રહી હતી એટલે હું તરત જ સુઈ જવાના મુડમાં હતો. પણ મારી જોડે બીજા પણ ઘણા મુસાફરો ચડ્યા, પણ સ્લીપર ક્લાસવાળા નહિ, વિરાર અને પાલઘરવાળા જનરલ ટીકીટવાળા અને સાથે આવીને બેસી ગયા. મેં કહ્યું એમને આ મારી ટીકીટ છે અને મને બહુ ઊંઘ આવે છે તો મારે સુઈ જવું છે. અને એ લોકોએ શાંતિથી સોરી કહીને ઉભું થઇ જવું જોઈએ એને બદલે કહે કે હમણાં કલાક-૨ કલાકમાં અમારું સ્ટેશન આવી જશે. એટલે અમે ઊતરી જઈશું, એટલી વાર તમે જાગો, મને કેહવા માં આવ્યું, "થોડી ઈન્સાનિયત દિખાઓ" અને ના ઉભા થયા એ લોકો. ટીકીટચેકર પણ એ ડબ્બામાં જ હતા અને એ પણ અમારી સ્લીપર ક્લાસવાળાની ટીકીટ ચેક કરીને જતા રહ્યા, આ લોકોને કહી પણ કહ્યા વગર.
અને મને ૨ કલાક પછી સુવા મળ્યું. એવું નથી કે આ લોકો અભણ હતા, ભણેલા-ગણેલા લોકો હતા. કાયદા-કાનુનની એ લોકોને ખબર છે. પણ મુંબઈની લોકલ ટ્રેઈનમાં ૮ વાગે આખી દુનિયાની ભીડ હોય છે, ૧૦૦ લોકોના ડબ્બામાં ૩૦૦ લોકો મુસાફરી કરતા હોય છે એટલે આ લોકો એ ભીડથી બચવા માટે આ સ્લીપર ક્લાસની ટ્રેઈનમાં ચડે છે અને એ પણ લોકલની ટીકીટ લઇને અને અમે ૨ મહિના પહેલા તારીખો યાદ રાખીને, ૨-ગણા રૂપિયા આપીને ટીકીટ બૂક કરાવીએ તો પણ ટીકીટચેકર અમારી ટીકીટ ચેક કરે અને એમની નહિ!!!!
હજી આપણે પ્રોફેશનાલીઝમથી જોજનો દુર છે અને અહી પ્રોફેશનાલીઝમ પર માનવતા-લાગવગનો વિજય થતો રહે છે, ખરેખર ક્યારેક મન બહુ ખારું-ખાટું થઇ જાય છે આ જોઈને પણ આ ભારત છે અને અહી આવું જ ચાલતું આવે છે અને ચાલતું રહેશે. મને ખબર છે, આ વાંચીને મને ઘણા લોકો આડે હાથે લેવાના છે કે મારે એ લોકો ૩૦૦ જણાની ભીડમાં કેવી રીતે જાય એ વિચારવું જોઈએ. માનવતા જેવી વસ્તુ જ નથી મારામાં... :( ...
મને લાગે છે આપણે આવા રાજકારણીઓને લાયક છે. જેવા રાજકારણીઓ છે તેવા જ આપણા લોકો છે. આપણે એ લોકોને ખરાબ કહીએ છે પણ સામાન્ય લોકોના વહેવાર જોઈને લાગે છે જો એ લોકોના હાથમાં સત્તા આવે તો એ પણ કઈ અલગ નથી કરવાના. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પણ હુમલા થાય છે અને અહી ભારતમાં બેઠાં બેઠાં લોકો ઉહાપોહ મચાવે છે અને એક નેતા અહી પોતાની કારકિર્દી બનાવા રાજ્યોના ભાગલા પાડીને ગુંડારાજ ફેલાવી રહ્યો છે અને એને કોઈ કરી શકતું નથી!!!!

Wednesday, November 18, 2009

મુંબઈ શહેર....

આમ તો મુંબઈ આવ્યા પછી.. અહી ૩ મહિના રહ્યા પછી ઘણું લખવાનું મન થયું છે આ શહેર વિષે પણ હજી જોઈએ એવા શબ્દો અને અનુભવો મળતા નથી.. પણ હમણાં બક્ષી-એક જીવની વાંચી રહ્યો છુ અને એમાં બક્ષીજીએ મુંબઈ માટે કવિતા લખી છે અને મને ગમી છે તો એ અહી છાપી મારું છુ...
-----------------------------------------------------------------------------------------------
મુંબઈ.. રાતે ખોવાઈ જતા તારાઓ અને ઓફીસ ટાઇમે આવતી દરિયાની ભરતી... દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની.. અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં.. હવે લોહી નીકળતું નથી, લેસ્બીઅનોના વિશ્વમાં.. ઓમલેટ ટ્રાય કરતાં ઘાસાહારીઓના પરાક્રમદેશમાં... રાતો વપરાતી નથી અને વેનીલાની ખુશ્બુથી પેટ ભરાઈ જાય છે...
કોન્ક્રીટ ચાવતાં મશીનો અને.. અટરલી બટરલી સંસ્કારી થઇ ગયેલા લક્ષ્મીબાજો.. કેસેટની ધાર પર ઝુલતા અવસાદ ગીતો, જઠરમાં સીરોસીસ પાળતા નવા બાળકો.. ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયા છે.. હાડકાંઓના અક્ષાંશ-રેખાંશ માપતા સફળ માણસો... તમારા એરકન્ડીશંડ મુલકમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ?...
નામી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મુળિયાવાળી ખુશ્ક ઔલાદો.. ઈમ્પોર્ટેડ ભાષા.. કાયદેસર ગુસ્સો, ક્રોમીંયમ પ્લેટેડ પ્રેમ.. ચુંબનોનો પુનરજન્મ, શેરબજારમાં ખરીદતી શાંતિના ભાવ... સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં.. રેડિયો કંપનીના વિજ્ઞાપનનો પરાગ ઝરે છે.. ખુલ્લા સમશાન પર અને ઝોપડપટ્ટી ના દેશ પર.. જે કારના દરવાજા ની બહાર શરુ થાય છે..
આજે આ શહેર મારું છે.. કાગડાના માળામાં હું પણ ઈંડા મુકતા શીખી ગયો છું.. હવે મારા દાંત સુંવાળા થઇ ગયા છે.. મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી.. કારણ કે ટીવીની સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે...
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી.
------------------------------------------------------------------------------------------

Saturday, November 14, 2009

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી, ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી..

ઝાંઝવા થૈ જળ અહીંથી ત્યાં સુધી,
ઝળહળે છે છળ અહીંથી ત્યાં સુધી

બપોરનો ૨ વાગ્યાનો સમય હતો. આલોક ઓફીસના કાફેટેરિયામાં જમીને હમણાં જ આવ્યો હતો, એટલે થોડી આળસ હતી શરીરમાં, પણ ઓફીસમાં સુવાય તો નહિ. જો કે ક્યારેક ક્યારેક આલોક બહુ ઊંઘ આવતી હોય તો ટેબલ પર જ ૧૦-૧૫ મિનીટ માટે સુઈ જતો હતો, પણ રોજ તો એવું ના કરાય.
એટલે આલોક સમય પસાર કરવા, આળસ-ઊંઘ દુર કરવા માટે કોઈ મનગમતી પ્રવૃત્તિ શોધી રહ્યો હતો. આલોક કોમ્પુટર ઇન્જીનેઅર હતો અને બેંગલોરમાં એક મલ્ટીનેશનલ કમ્પનીમાં નોકરી કરતો હતો. તેના માતા-પિતા ગુજરાતમાં રહેતા હતા અને તે અહી મિત્રો સાથે રહેતો હતો. હજી ૪ મહિના પહેલા જ તેની સગાઇ પૂર્વા સાથે થઇ હતી. તે હજી ગુજરાતમાં કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. અને બંનેનું સારું જામતું હતું. અને થોડા મહિના પછી બંનેના લગ્ન લેવાવાના હતા. પણ અત્યારે તો એ આલોક કરતા દુર ગુજરાતમાં હતી.
હા તો આલોકે સમય પસાર કરવા મેન્સેજરમાં લોગ-ઇન--દાખલ થયો.. ખોટા નામે જ સ્તો અને વાત કરવા માટે કોઈ હમઉમર છોકરીનું નામ શોધી રહ્યો હતો એક નામ દેખાયું, કરીના. આલોકે કરીનાને હાઈ-હેલ્લો કર્યું. સામે કરીનાએ પણ ૨ મિનીટ પછી હાઈ કીધું. અને પછી બંને વાતોએ વળગ્યા. જો કે બંનેએ પોતાના નામ ખોટા જ કીધા હતા. કરીના પણ બેંગ્લોરની જ એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી. અને બંને ગુજરાતી હતા એટલે બંનેની જામી, માતૃભાષામાં વાત કરવાનો ખરેખર એક અનેરો જ આનંદ હોય છે. ખાસ કરીને જયારે, જ્યારે તમારે ઓફીસમાં બીજા લોકો જોડે માતૃભાષા મૂકી ને હિન્દી-અંગ્રેજીમાં જ વાત કરવી પડતી હોય અને એ પણ એક અજનબી શહેરમાં. પછી તો એક-બીજાના શોખ, વિચારો વિષે વાતો ચાલી.
આલોક: હેલો
કરીના: હેલો
આલોક: તમારું નામ?
કરીના: તમારે શું કામ..
આલોક: સાચું નહિ તો ખોટું કહી દો... શું ફરક પડે છે..
કરીના: હા એ પણ છે... કરીના...
આલોક: સરસ... કરીના કપૂર જેવા જ સુંદર દેખાવ છો કે?
કરીના: ના દેખાતી હોવ તો વાત નહિ કરો!!!
આલોક: કરીશ ને.. પણ આ તો દેખાતા હોવ તો જરા રસ થી વાત થાય એમ..
કરીના: નથી દેખાતી એના જેવી...
આલોક: વાંધો નહિ...
કરીના: ઐશ્વર્યા જેવી દેખાવ છુ...
આલોક: વાહ વાહ... ખરેખર સરસ... શું કરો છો? ફિલ્મોમાં અભિનય?
કરીના: ના... નોકરી...
આલોક: શેની?
કરીના: તમે શું કરો છો?
આલોક: મારી નોકરી છે કોમ્પુટર જોડે મગજ મારી કરવા ની...
કરીના: હા હા... હું પણ એવું જ કરું છુ.... તમે બહુ હસાવો છો...
આલોક: નેચરલ સ્કીલ્સ છે..
અને બસ આમ ને આમ ચાલ્યા કરી એ લોકોની કારણ વગરની વાતો...

પછી તો રોજ બંને જણા લંચ પછીના સમયની રાહ જોવા લાગ્યા. અને રોજ લંચ પછી ૧-૨ કલાક ચેટીંગ-વાતો કરતા હતા. એકબીજાનું જેમ વળગણ થઇ ગયું હતું. જો કે આવું એક અઠવાડિયું ચાલ્યું.

હવે આલોક રહ્યો પુરુષ, એક સામાન્ય પુરુષ અને એણે પોતાની સગાઇ થઇ છે એ છુપાવ્યું હતું અને એટલે જ કદાચ કરીના આટલી બધી વાતો કરી રહી હતી એવું લાગ્યું એને. આલોકને એમ કે હજી લગનને વાર છે ત્યાં સુધી બેંગ્લોરમાં શનિ-રવિ પસાર કરવા અઘરા પડે છે. તો કરીના આ શનિ-રવિને કદાચ મનગમતા કરી દે. પણ કરીનાને માટે લંચ પછી બે ઘડીનો સમય પસાર કરવાનું મજાનું સાધન હતું કારણ કે એ પરણેલી હતી અને સુખી હતી.
હવે આલોકને કરીનાને મળવાની તાલાવેલી લાગી હતી. એને કરીનાને ફોટો મોકલવા માટે કહ્યું હતું પણ કરીનાએ એમ કહીને વાત ટાળી દીધી હતી કે એક જ શહેરમાં છે તો કેમ મળી જ ના લઇએ.
હવે આલોક કરીનાને મળવા માટે અધીરો થયો હતો. એણે આગળ એક-બે વાર કહ્યું હતું પણ કરીના વાત ટાળી દેતી હતી.
છેવટે એ પણ રાજી થઇ ગઈ . એને પણ આલોક જોડે વાતો કરવાની મજા આવતી હતી. બંનેએ જગ્યા અને સમય નક્કી કર્યો, એમ. જી. રોડ, કાફે-કોફી-ડે.. જ્યાં દુનિયાભર.. બેંગ્લોરભરના પ્રેમીઓ મળતા હતા અને વાતો કરવામાં સમય પસાર કરતા હતા. પણ હવે ત્યાં જઈને મળવા માટે એક-બીજા ને મોબાઈલ-નંબર તો આપવો પડે.. અને બંનેએ એકબીજાના નંબરની આપ લે કરી.
અને પછી આલોકે નંબર જોડ્યો.. અને.. એ ચોંકી ગયી.. એણે તરત જ ફોન કરીના ઉપાડે એ પહેલા જ કાપી નાખ્યો.. જો કે કરીના પણ હવે વાત કરવાના મુડમાં નહોતી...
કારણ... કરીના પૂર્વાની કાકાની મોટી છોકરી હતી અને એ પરણીને એના પતિ જોડે બેંગ્લોરમાં જ રહેતી હતી. અને આટલા સગપણને કારણે કરીના, ખરેખર તો રચના પાસે આલોકનો નંબર પહેલેથી જ હતો અને અલોક પાસે પણ રચનાનો નંબર હતો.. અને એટલે જ...
-----------------------------------------------------------------------------------------------
ક્યાંયથી ઉઠાંતરી નથી કરી હો કે... મારી પ્રથમ વાર્તા કે લઘુકથા (શું કહેવાય એ ખરેખર ખબર નથી.) જે કહો એ, પણ મનમાં આવી એટલે લખી નાખી છે..... કોઈ ભૂલ હોય કે પછી ટીકા-ટીપ્પણી આવકાર્ય છે... જેથી બીજી વાર્તા-લઘુકથામાં એ ભૂલો ના થાય.. જો લખીશ તો....

Friday, November 13, 2009

મારી નજરે પુસ્તક: ઓશો - ધ્યાન દર્શન

મુંબઈ આવ્યા પછી પ્રથમ પુસ્તક સમાપ્ત કર્યું. ઓશોનું ધ્યાન-દર્શન. અને નવાઈની વાત છે કે ધ્યાનનું પુસ્તક મેં બસમાં ઓફીસ જતા જતા અઠવાડિયામાં પૂરું કર્યું. ધ્યાનનું પુસ્તક ભરચક બસમાં!!!! તો મજા છે મુંબઈની, અહી તમે ભીડમાં પણ એકલા હો અને સમયની હમેંશા અહી મારામારી હોય છે એટલે રીતે તમારે સમયની ચોરી કરવી પડે.

હવે પુસ્તક વિષે વાત કરું તો, ઓશો પુસ્તકમાં ધ્યાન કરવાના પ્રયોગો વિષે માહિતી આપી છે. અને એટલે ખાલી વાંચવા માટેનું પુસ્તક નથી પણ કરવા માટેનું છે. પ્રયોગો દ્વારા તમે ધ્યાનથી સમાધિ સુધીની સ્થિતિમાં પહોંચી શકો છો જ્યાં તમને પરમાનંદનો અનુભવ થાય છે. જેવો આપને સમાગમમાં ચરમ-સીમા પર પરમ આનંદનો અનુભવ થાય છે એમ. પણ પ્રયોગો છે અઘરા, એક પ્રયોગ મેં ઘેર કરવાનો પ્રયન્ત કર્યો પણ સફળતા ના મળી. જો કે ઓશોએ કહ્યું છે કે એક-બે દિવસમાં કોઈને પરમાનંદનો અનુભવ ભાગ્યે થશે. સાથે સાથે એમણે ધ્યાન-યોગ-સમાધિ વિષે પણ ઘણી વાતો કરી છે. યોગ-શિબિરમાં હાજરી આપનારા સાધકો સાથેની પ્રશ્નોત્તરી તરીકે. જે લોકોને માત્ર પ્રયોગમાં રસ હોય તેમને પુસ્તકના પાછલા - પાના વાંચી જવા, તેમાં માત્ર પ્રયોગ કરવાની રીત આપેલી છે, કોઈ પણ જાતની વિચારધારા(ફિલોસોફી)વિના. બાકી જેને રસ હોય એમને તો કહેવાની જરૂર નથી. તો આખી ચોપડી વાંચવાના છે... ૧૨૦-૧૨૫ તો પાના છે, બરાબર ને.....

Sunday, November 8, 2009

એક સારું કાર્ય... પોતાના માટે....

આજે મારા પોતાના શોખ માટે મેં એક કાર્ય કર્યું.. જે મારે વર્ષો પહેલા કરવાની ઈચ્છા હતી... કરવું જોઈતું હતું... પણ ક્યારેક રૂપિયાના અભાવે અને... આળસના લીધે રહી જતું હતું....
આજે હું નર્મદ પુસ્તકાલયનો સભ્ય બની ગયો... અને પ્રથમ પુસ્તક પણ લેતો આવ્યો... બક્ષી: એક જીવની....
અત્યાર સુધીના વર્ષો માં મારે ઘરે જો કોઈ ગુજરાતી પુસ્તક આવ્યું હોય.. પછી રોજનું છાપું હોય કે મેગેઝીન હોય.... મેં બીજા દિવસનો સવાર પડે એ પહેલા એને પૂરું કરી જ દીધું હોય... એટલો વાંચનનો શોખ છે મને... આ તો અંગ્રેજી પર હજી ગુજરાતી જેટલી પકડ નથી એટલે બાકી તો અંગ્રેજી પુસ્તક માટે પણ એવું જ થતું હોય... પણ એ પકડ પણ આવી જશે....

સભ્ય બન્યા પછી અંદર હું આ પુસ્તક લેવા ગયો ત્યારે ત્યાં પડેલા હારબંધ વ્યવસ્થિત પુસ્તકોની વિશાલ શ્રુંખલા જોઈને હું દંગ રહી ગયો કે મેં કેમ આટલા વર્ષો સુધી આ કાર્ય ના કર્યું એનો મને પસ્તાવો થયો... પણ દેર આયે.. દુરસ્ત આયે.. હવે દર અઠવાડિયે એક પુસ્તક પૂરું કરી દઈશ....
જો તમે પણ કોઈ સુરતમાં જ રહેતા હોય તો આ કામ વહેલી તકે કરી લો....

Sunday, November 1, 2009

નવા અનુભવો .... મુંબઈમાં

રવિવારનો દિવસ એટલે આરામનો દિવસ.... ખરેખર રવિવારનો મૂડ જ અલગ હોય છે..... એ દિવસે આખું અઠવાડિયું જે કરતા હોય એ કરવાનું મન ના થાય... અને આખું અઠવાડિયું જે ના કરતા હોય એ કરવાનું મન થાય....
હું સવારની જાતે બનાવેલી ચાની મજા લેવાની મહેનત કરી રહ્યો હતો... મુંબઈ આવ્યા પછી ચા જાતે બનાવી પડે છે... ૧ મહિનાથી શીખી રહ્યો છું.. રોજે રોજ ચાનો સ્વાદ અલગ અલગ આવે છે.... ક્યારેક સરસ પણ બની જાય અને ક્યારેક પરાણે પૂરી કરવી પડે.. પણ ફેંકવાની નહિ... પૂરી તો કરવાની જ... પોતાના પાપ તો પોતે જ ભોગવવા પડે ને..
તો હું ચા પી રહ્યો હતો ત્યાં વીરેન વાળ ભીના કરીને આવ્યો અને યશપાલને કહે કે વાળ થોડા કાપી આપ ને... ખાલી નાના જ કરવા છે... કોઈ જાતની ફેશન નથી કરવી... યશપાલ તો ડરી ગયો... કહે કે મેં ક્યારેય કોઈના વાળ કાપ્યા નથી... બગડી જશે.... મોટા ભાગના માણસો જે કાર્ય કરવા ટેવાયેલા હોય એ જ કરે.. નવું કોઈ કાર્ય આપો તો હલબલી જાય..... હવે તમે વાણંદ ના હો તો સાચું કહેજો કે તમને કોઈ વાળ કાપવા દે... ના ના આવો મોકો તમને જિંદગીમાં મળ્યો છે ખરો.. મને તો નથી મળ્યો.. એટલે યશપાલનો કે પછી વીરેનનો વિચાર બદલાય ત્યાં જ મેં છાપુ ફેંકી દીધું અને બીડું ઝડપી લીધું..... કીધું લાવ કાતર... આજે તો હું છું ને તારા વાળ છે.. અને વીરેન પણ મરદનો બચ્ચો છે... એણે પણ કીધું... લે આ તારા માટે મારું માથું મૂકી દીધું ... અને પછી અમે મંડી પડ્યા... થોડી મહેનત પડી... થોડી અગવડ પડી.. પણ તો પણ પતાવ્યું... પછી સાલું વાણંદ માટે માન ઉપજ્યું.. અઘરું કામ છે હો કે... વીરેનના વાળ એક તો વાંકડિયા હતા એટલે કેમેં કરીને હાથમાં આવતા નહોતા... આ તો ઠીક છે ખાલી ટૂંકા કરવા હતા એટલે આમ-તેમ કાતર ફેરવીને ટૂંકા કરી દીધા... પણ હા .. રવિવાર સુધરી ગયો હો કે.... પછી હું પણ મરદનો બચ્ચો જ છું.. મેં પણ વીરેનને કીધું લે.. તું પણ યથા-શક્તિ મારા વાળ કાપ... રવિવાર તારો પણ છે... તને પણ મજા પડવી જોઈએ...
જોકે પછી મને જાણવા મળ્યું.. અમારા ભાઈ સાહેબ લંડનમાં છે એ લોકો તો દર પંદર દિવસે બધા જાતે જ એકબીજાના માથામાં વાળ કાપવાનું યંત્ર ફેરવી દે છે.. ત્યાં તો વાળ કાપવા જાય તો પાઉન્ડમાં રૂપિયા આપવા પડે ને .... મેં કીધું હશે ... મને તો એમ કે અમારા કુંટુંબમાં હું પહેલો વ્યક્તિ બનીશ કોઈના વાળ કાપવા વાળો.. પણ સાલું એ માન પણ ગયું... સાલું નસીબ જ નથી માન લેવા માટે...
બીજા અનુભવમાં તો એક આ ચાનો અનુભવ થાય છે રોજ... અને અમે લોકો રાતનું જમવાનું જાતે બનાવી એ છે તો... રોટલી બનવાનું ... નહિ નહિ.. અત્યારે તો રોટલી વણવાનું શીખવાનું ચાલુ છે... દરેક રોટલીમાં નવો નવો નકશો બને છે... જો કે gaya વખતે ખાસી એવી રોટલીઓ ગોળ બની હતી.. હજી ૨ વાર કરીશ તો આવડી જશે.. સફળતા બસ હવે હાથ-વેંતમાં જ છે..... બસ તમારી લોકોની શુભેચ્છા હશે તો ૬ મહિનામાં સારો એવો રસોઈયો બની જઈશ..... તમને જરૂરથી ખવડાવીશ બસ... ખુશ...