-----------------------------------------------------------------------------
રાજેશનો શાળામાં પ્રથમ દિવસ હતો, જો કે શાળા ઘણા દિવસથી શરુ થઇ હતી પણ રાજેશનું એડમીશન મોડું થયું હતું. તે સૌરાષ્ટ્રના નાના ગામડામાંથી આવતો હતો અને હજી શહેરથી અજાણ હતો, બધું તપાસ કરીને એડમીશન લેવામાં મોડું થઇ ગયું. માનસી પણ એ જ દિવસે શાળામાં દાખલ થઇ હતી. અને એટલે બંનેનો રોલ નંબર સાથે આવ્યો હતો.
રાજેશ દેખાવમાં સીધો સાદો, સામાન્ય કહી શકાય એવું વ્યક્તિત્વ હતું. અને શરમાળ પણ હતો, શહેરના છોકરાઓની સરખામણીમાં અંતરમુખી હતો. માનસી પણ કોઈ ખાસ સુંદર કેહવાય એવી નહોતી અને ખુબ જ પાતળી, સલકડી જેવી હતી અને એ પણ અંતરમુખી હતી. બેય જણા નવા હોવાના લીધે શાળાના બીજા છોકરા- છોકરીઓ જોડે હળતા-મળતા થોડો સમય લાગ્યો હતો. જો કે તો પણ, રાજેશ કોઈ છોકરી જોડે તો દોસ્તી નહોતો જ કરી શક્યો અને માનસીએ પણ કોઈ છોકરા જોડે મૈત્રી કેળવી નહોતી. રાજેશ માટે છોકરા-છોકરી દોસ્તી કરે એ નવી-નવાઈની વાત હતી. એણે ગામડામાં કોઈ દિવસ એવું જોયું નહોતું.
એક દિવસ ક્લાસમાં બાયોલોજીના સરે માનસીને ઉભી કરી અને પ્રશ્ન પૂછ્યો. માનસીએ જવાબ આપ્યો. સર થોડા મજાકિયા-રમતિયાળ મિજાજના હતા. માનસીનો અવાજ સાંભળીને સરે કહ્યું, 'અરે છોકરી, તારો અવાજ તો કોયલ જેવો છે. આજથી તારું નામ કોયલ.' અને એ દિવસે રાજેશનું ધ્યાન પહેલી વાર માનસી તરફ ગયું. માનસીનો અવાજ હતો પણ કોયલ જેવો જ મધુર. પછી તો સર પણ માનસીને પ્રશ્ન પૂછવા માટે કોયલ કહીને જ ઉભી કરતા. માનસી ઉભી થતી જવાબ આપવા ત્યારે રાજેશ એને નીરખ્યા કરતો. હવે રાજેશને એના અવાજનો ચસ્કો લાગ્યો હતો. એ ઇચ્છતો કે સર રોજ એને કંઈક બોલવા માટે ઉભી કરે. હવે રાજેશ ક્લાસમાં ક્યારેક ત્રાંસી નજરે માનસીને જોયા વગર રહી શકતો નહોતો. જો કે હજી એની સાથે વાત કરી શકે એટલી હિમત એનામાં આવી નહોતી.
3 મહિના પછી શાળામાં આંતર-પરીક્ષાઓ આવી હતી. ૫ વિષયની પરીક્ષાઓ પૂરી થઇ ચુકી હતી. રાજેશ અને માનસીનો રોલ નંબર સાથે હોવાના લીધે એ બંને આગળ પાછળ જ બેસતા હતા. રાજેશ રોજ વિચારીને જતો કે આજે તે માનસીને કોઈ પ્રશ્ન પૂછશે જેથી વાત કરવાનો મોકો મળે પણ ૫ દિવસમાં એ માનસીને કઈ પણ પૂછી શક્યો નહોતો. છેલ્લા ૨ વિષયની પરીક્ષાઓ પણ એમ જ પૂરી થઇ ગયી. રાજેશ માનસી જોડે વાત કરવાની હિમંત જે કેળવી શક્યો નહોતો. બધા વિદ્યાર્થીઓ મૂડમાં આવી ગયા જયારે રાજેશ વધારે ઉદાસ થઇ ગયો હતો કે હવે કેવી રીતે માનસી જોડે વાત કરવા મળશે. હવે બીજા ૩ મહિના રાહ જોવી પડશે. માનસીને તેણે અત્યાર સુધી કોઈ છોકરા જોડે વાત કરતા પણ જોઈ નહોતી એટલે રાજેશને વધારે ડર લાગતો હતો.
રાજેશે જો કે પરીક્ષામાં સારા માર્ક લાવ્યો હતો અને માનસીના પણ ઠીકઠાક એવરેજ કહેવાય એવા માર્ક હતા. માર્ક્સ બધા ક્લાસની વચ્ચે આપવામાં આવતા એટલે બંનેને એકબીજાના માર્ક્સની ખબર હતી. પણ જેમ રાજેશે માનસીના માર્ક્સની નોંધ લીધી હતી તેવી માનસીએ રાજેશના માર્ક્સની નોંધ લીધી હતી કે વિષે રાજેશને શંકા હતી.
આમ ને આમ બીજા ૩ મહિના વીતી ગયા. રાજેશ રોજ માનસીને ત્રાંસી નજરે જોયા કરતો. તેણે તેની બેસવાની જગ્યા પણ બદલી હતી, હવે તે માનસી બેસતી હતી તેનાથી થોડી પાછળની કતારમાં બેસતો હતો.
ફરી ૩ માસિક પરીક્ષાઓ આવી હતી અને ફરી રાજેશની એ જ હાલત હતી. ૪ વિષયના પેપર પુરા થઇ ચુક્યા હતા. ૫માં દિવસે રાજેશ ક્લાસમાં આવ્યો તો માનસી અને એની બાજુની હારમાં બેઠેલી છોકરી એકબીજા સાથે ઈશારાથી વાત કરી રહી હતી. કદાચ પરીક્ષા દરમ્યાન ચોરી કેવી રીતે કરવી તે નક્કી કરી રહી હતી. બાજુવાળી છોકરીએ જોયું કે રાજેશ તેમને જોઈ રહ્યો છે તો તેણે જરા સ્મિત આપ્યું. રાજેશ પણ સ્મિત આપીને પોતાની જગ્યાએ બેસી ગયો. રાજેશે હવે હાર માની લીધી હતી. પણ આજે નસીબ જરા સારું હતું એનું. પરીક્ષા પૂરી થવાની વાર હતી ત્યાં રાજેશને માનસી બોલાવી રહી હોય એવું લાગ્યું. એણે સર જોઈ ના જાય એ રીતે પાછળ જોયું. માનસી એને ખરા-ખોટા પ્રશ્નનો જવાબ પૂછી રહી હતી. રાજેશને તો જાણે સ્વર્ગ હાથ-વેંત જ દુર રહ્યું. એને જવાબ આવડતો હતો અને એણે ઈશારાથી કહી દીધો. પછી તો માનસીએ બીજા પણ ૩-૪ સવાલ પૂછી લીધા અને રાજેશે બધા જવાબ કહી દીધા. પરીક્ષા પૂરી થયા પછી રાજેશ ઉભો થતો હતો ત્યાં માનસીએ એનો આભાર માન્યો અને રાજેશે કીધું, આભાર નહિ, કાલે તમારે મને જવાબ કહેવા પડશે કેમ કે કાલના વિષયમાં હું નબળો છું. માનસીએ કીધું, હું કોશિશ કરીશ. હું તમારા જેટલી હોશિયાર નથી. એ દિવસે રાજેશ ખુબ ખુશ હતો. માનસી એનું નામ પણ જાણતી હતી અને એ ભણવામાં આગળ છે એ પણ જાણતી હતી. એ પછીના ૨ દિવસ પણ બંનેએ થોડી થોડી ચોરી કરી હતી.
જો કે પરીક્ષા પૂરી થયા પછી રાજેશને માનસી જોડે વાત કરવાનો કોઈ મોકો મળ્યો નહોતો. બસ એટલો ફરક પડ્યો હતો કે હવે એ લોકો સામ-સામે મળે તો એકબીજાને સ્મિત આપતા હતા. પણ આવું અઠવાડિયે માંડ એકાદ વાર થતું.
હવે વાર્ષિક પરીક્ષાઓ પણ પૂરી થઇ ચુકી હતી અને રાજેશને વતન-ગામડે જવાનો સમય હતો. રાજેશ ખુશ હતો. એક તો એની પરીક્ષાઓ સારી ગઈ હતી અને આજે એ ૩ મહિના પછી ગામડે જઈ રહ્યો હતો. જો કે ગામડે ગયા પછી એક-૨ દિવસ તો જુના મિત્રોને મળવામાં, માતા-પિતાને શહેરની, હોસ્ટેલની ધીંગામસ્તીની વાતો કરવામાં નીકળી ગયા પણ પછી રાજેશને કંઈક ખૂટતું હોય એવું લાગવા લાગ્યું. તેને પહેલી વાર એમ થયું કે રજાઓ જલ્દી પૂરી થાય અને એ શહેર પાછો જાય. એને સમજ નહોતી પડતી કે આવું કેમ થઇ રહ્યું છે. માનસીને જોયે હવે અઠવાડિયું થઇ ગયું હતું અને એટલે જ એને શહેર પાછા જવાની તાલાવેલી ઉપડી હતી.
રાજેશ રજાઓ પૂરી થવાના ૨ દિવસ વહેલા આવી ગયો હતો, ખાસ માનસીને જોવા માટે. ઘેર માતાપિતાને કીધું કે ત્યાં જઈને બધું તૈયાર કરવું પડશે એટલે વહેલો જાવ છું. એ જાણતો હતો કે માનસી ક્યાં રહે છે અને એનાથી શાળા શરુ થાય એ ૨ દિવસ રાહ જોવાય એમ નહોતી.
શનિવારનો દિવસ હતો, રાજેશ ૭ વાગ્યામાં તૈયાર થઇને સાયકલ લઇને એના ઘરની સામે જઈને રસ્તા ઉપર ઉભો રહી ગયો અને સાયકલની ચેઈન બગડી હોય એવો દેખાવ કરીને ત્યાં ઉભો રહ્યો. ૭ ના સવા ૭, સાડા ૭, ૮, ૯ વાગ્યા તો પણ માનસી બહારના આવી. રાજેશનો અંજપો વધવા લાગ્યો. હવે રાજેશને થયું જો વધારે વાર ઉભો રહેશે તો કોઈકને શંકા જશે અને નાહક પ્રોબ્લેમ થશે. એ ત્યાંથી નીકળતો જ હતો કે માનસી ૯:૩૦ એ શાક લેવા માટે નીચે આવી. રાજેશ એને દુરથી જ જોયી અને કોઈ દિવસના અનુભવી હોય એવી લાગણી-શાંતિ અનુભવી. રાજેશને એ ક્ષણે ખ્યાલ આવ્યો કે એ માનસીના પ્રેમ કે એવું જે કઈ કહેવાય છે એમાં પડ્યો છે અને હવે એ જ એની મંઝીલ છે, જિંદગી છે.
રાજેશે એનો શાળાએ જવાનો રસ્તો બદલી નાખ્યો હતો. જો કે માનસી પાસે સ્કુટી હતી છતાં પણ.... થોડા દિવસ પછી રાજેશને ખબર પડી કે માનસી અને રાજેશનો રૂમ-મેટ એક જ ટ્યુશનમાં જતા હતા. એટલે રાજેશે રૂમ-મેટને પોતાના મનની વાત કરી હતી અને એ મિત્ર રાજેશ પર હસ્યો હતો, 'તને માનસી ગમે છે!!! તને એના કરતા ઘણી સારી છોકરી મળી જશે. એ સલકડીમાં શું ગમ્યું તને?' રાજેશે એ કહ્યું એનો અવાજ.... રાજેશે એ ટ્યુશનમાં જોડવાનું પણ વિચાર્યું પણ ટ્યુશનની ફી એની પહોંચની બહાર હતી અને એ મોડો પણ હતો.
વર્ષ એમ ને એમ વીતી રહ્યું હતું. રાજેશને હજી માનસી જોડે દોસ્તી કરવા માટે ના તો કોઈ મોકો મળ્યો હતો અને ના તો હજી એટલી હિમંત આવી હતી. ઉપરથી માનસીનું છોકરાઓ જોડેનું અતડું વર્તન પણ એની વિરુદ્ધમાં હતું. ઉપરાંત એને ભણતરમાં પણ ધ્યાન આપવાનું હતું .
એવામાં રાજેશ એક દિવસ એના મિત્રના ઘરે ગયો હતો. ત્યાં એણે ટેલીફોન ડિરેક્ટરી જોઈ. રાજેશ માનસીનું એડ્રેસ અને એના પિતાનું નામ જાણતો હતો. તેના દિમાગમાં ખબર નહિ ક્યાંથી વિચાર આવ્યો, તેણે ટેલીફોન ડિરેક્ટરી ઉઠાવી અને માનસીના ઘરનો ફોન નંબર શોધવા લાગ્યો. રાજેશને નંબર શોધતા વાર ના લાગી અને તેણે ફોન નંબર નોંધી લીધો.
પણ હવે જ્યાં રોજ ક્લાસમાં મળવા છતાં તે શું વાત કરવી તે કરી શકતો નહોતો તો ફોન કરીને શું વાત કરવીએ મથામણમાં એ નંબર મેળવ્યાના ૨ મહિના પછી પણ ફોન કરવાની હિમંત કરી શક્યો નહોતો. બસ એ રોજ સવારમાં માનસીના ઘરની આગળ જઈને ઉભો રહેતો અને માનસીની રાહ જોતો. જેવી માનસી સ્કુટી લઇને શાળા એ જવા નીકળે, આ પણ તેની પાછળ પાછળ પણ સાયકલ ભગાવતો હતો.
આમ ને આમ વર્ષનો અંત નજીક આવી ગયો. હવે રાજેશ ભણતરમાં ધ્યાન આપવા લાગ્યો હતો. પણ જેમ પરીક્ષાઓ નજીક આવતી ગઈ તેમ તેમ તેનો અંજપો વધી ગયો હતો. પરીક્ષાઓ પછી તો માનસીને ક્યારેય મળવાનો મોકો નહિ મળે એ વિચારે તેને ઉદાસ કરી મુકતો હતો. આ ઓછુ હોય તેમ પરીક્ષાઓમાં બંનેનો નંબર અલગ અલગ શાળામાં આવ્યો હતો.
પણ પાંચ પરીક્ષાઓ પૂરી થયા પછી શનિ-રવિની રજાઓ હતી અને રાજેશને અચાનક બત્તી થઇ કે પરીક્ષાઓ કેવી ગઇ એ પૂછવાના બહાને ફોન કરી શકાય પણ પછી વિચાર્યું કે માનસી પૂછશે નંબર ક્યાંથી મળ્યો તો શું કહીશ??? ફોન માનસી સિવાય એના મમ્મી-પપ્પાએ ઉપાડ્યો તો શું વાત કરીશ??? આવા વિચારો માં દિવસ નીકળી ગયો. છેવટે સાંજ રાજેશે જે થશે એ જોયું જશે ના વિચારે ટેલીફોન પર બુથ પર ગયો... પણ ત્યાં જઈને પણ ૨-૩ વાર બુથની આગળ-પાછળ આંટા માર્યા પછી હિમંત કરીને ફોન જોડી જ દીધો.
ફોનની રીંગ વાગી રહી છે... અને રાજેશની દિલની ધડકનો પણ રીંગ જોડે વાગી રહી હતી.... નસીબ જોગે માનસી એ જ ફોન ઉપાડ્યો.
માનસી: હેલ્લો
રાજેશ: હેલ્લો, હું રાજેશ બોલું છું. ઓળખાણ પડી?
માનસી: ના
રાજેશ: આપણે ક્લાસમાં સાથે ભણીએ છે. મારા પછી જ તમારો રોલ નંબર છે.
માનસી: અરે હા, ઓળખ્યા. તમને મારો નંબર કેવી રીતે મળ્યો?
રાજેશ: શોધવાવાળા તો ભગવાનને પણ શોધી લે છે. તમારો નંબર શું મોટી વાત હતી.... (રાજેશ આવું કહીને ધીમું હસ્યો... એણે ખબર નહિ ક્યાંથી અચાનક આ વાક્ય બોલવાની હિમંત આવી ગયી હતી એનામાં)
માનસી: (ગંભીર થઇને) શું કામ હતું?
રાજેશ: બસ એમ જ કે પરીક્ષાઓ કેવી જઈ રહી છે?
માનસી: સારી ગઈ છે. તારી?
રાજેશ: (માનસીએ તુંકારે બોલાવ્યો એટલે રાજેશ ની હિમંત વધી ગઈ) મારી પણ સારી ગઈ છે. તારો નંબર કઈ સ્કુલમાં છે? (રાજેશને ખબર હતી છતાં વાત લંબાવા માટે)
માનસી: એમ. એન. પટેલમાં. તારો?
રાજેશ: મારો તો આપણી સ્કુલમાં જ છે. ચોરી ને એવું થાય છે ત્યાં? (રાજેશ બને એટલી લાંબી વાત કરવા માંગતો હતો.)
માનસી: ના. હવે હું ફોન મુકું? મારે વાંચવાનું છે.
રાજેશ: સારું. હું પરીક્ષાઓ પૂરી થઇ પછી ફોન કરીશ. ફોને કરી શકુંને?
માનસી: હા. હવે બાય.
કહીને માનસીએ રાજેશના બાય વગર ફોન મૂકી દીધો. જોકે રાજેશ માટે તો આટલી વાત પણ ઘણી હતી. એ સાતમાં આસમાનમાં ઉડવા લાગ્યો હતો. વાત કરવાનું આટલું સહેલું હતું અને એણે નંબર મેળવ્યા પછી ૮ મહિના એમ ને એમ વિચારોમાં ખોઈ દીધા હતા. એ દિવસે રાજેશને બહુ જ સરસ નીંદર આવી અને એની છેલ્લી પરીક્ષાઓ પણ સારી ગઈ.
ફરી વાર પરીક્ષા પછી સાંજે ફરી એણે માનસીના ઘરનો નંબર જોડ્યો. આ વખતે માનસીની મમ્મીએ ફોન ઉપાડયો પણ હવે રાજેશમાં હિમંત આવી ગઈ હતી.
રાજેશ: હેલ્લો.
માનસીના મમ્મી: હેલ્લો.
રાજેશ: માનસી છે?
માનસીના મમ્મી: હા છે, તમે કોણ?
રાજેશ: હું રાજેશ, એની સાથે સ્કુલમાં છું.
માનસીના મમ્મી: સારું. આપું છું માનસીને.
માનસી: હેલ્લો
રાજેશ: હાય, રાજેશ બોલું છું.
માનસી: બોલ ને...
રાજેશ: કેવી ગઈ છેલ્લી બે પરીક્ષાઓ?
માનસી: બહુ સરસ. તારી?
રાજેશ: મારી પણ સરસ ગઈ.
માનસી: સારી વાત છે. હવે?
રાજેશ: તારી પ્રેક્ટીકલ ક્યાં અને ક્યારે છે ?
માનસી: ખબર નહિ, એ તો કાલે સ્કુલે જઈને જોઇશ તો જ ખબર પડશે.
રાજેશ: ક્યારે જોવા જવાની છે?
માનસી: કઈ નક્કી નથી.૧૦-૧૧ વાગે જઈશ. બહુ ઉજાગરા કર્યા છે. આજે ઊંઘવું છે. કાલે જગાય ત્યારે જોઇશ.
રાજેશ: સારું.
માનસી: બીજું?
રાજેશ: કઈ નહિ, અમે તો ફિલ્મ જોવા જવાના છે, હોસ્ટેલના મિત્રો જોડે.
માનસી: તું હોસ્ટેલમાં રહે છે?
રાજેશ: હા
માનસી: સારું, જલસા છે. આઝાદી હોયને હોસ્ટેલમાં તો.
રાજેશ: આઝાદી તો હોય પણ ખાવાનું સારું ના મળે, કપડા જાતે ધોવા પડે... :(
માનસી: તો પણ સારું જ કહેવાય.. સારું ચલ હું મુકું છું. પપ્પા આવી ગયા છે.
રાજેશ: સારું, બાય.
માનસી: બાય.
આજે તો રાજેશ બહુ જ ખુશ હતો. માનસીએ ઘણી બધી વાતો કરી હતી અને તે પણ સામેથી. એ જલ્દી સવાર પડે એની રાહ જોવા લાગ્યો જેથી સ્કુલે જઈને માનસીને મળી શકે. ટેલીફોન પર વાત કર્યા પછી એ માનસીને રૂબરૂ એક પણ વાર મળ્યો નહોતો તો કેવી રીતે મળશે એની થોડી ચિંતા તો હતી એને... પણ હવે એનામાં એક ગજબનો આત્મા વિશ્વાસ આવી ગયો હતો.
પણ બીજા દિવસે માનસી દેખાઈ જ નહિ. એને બહુ રાહ જોઈ પણ વ્યર્થ. એણે જાતે માનસીની પ્રેક્ટીકલની તારીખો જોઈ લીધી અને હવે પ્રેક્ટીકલ પછી ફોન કરવાનું નક્કી કર્યું.
પ્રેક્ટીકલ પુરા થયા પછી એ સાંજે રાજેશે ફરી ફોન જોડ્યો. માનસીએ ફોન ઉપાડયો.
માનસી: હેલ્લો
રાજેશ: હેલ્લો, રાજેશ બોલું છું. તું એ દિવસે પછી આવી જ નહિ સ્કુલે?
માનસી: રાજેશ, પ્લીસ. આજ પછી મને ફોન ના કરતો. મારી મમ્મીને નથી ગમતું કે હું કોઈ છોકરા જોડે વાત કરું અને છોકરાઓ મને ફોન કરે એ. સોરી.
રાજેશ: (રાજેશ માટે આ અણધાર્યું હતું. એ આવા હુમલા માટે તૈયાર નહોતો.) સારું.
માનસી: બાય.
રાજેશ: બાય.
રાજેશ ટેલીફોન-બુથવાળાને પૈસા આપીને ચાર રસ્તે આવેલી એમની કીટલી પર જઈને બેસી ગયો.રાતના ૪ વાગ્યા સુધી ત્યાં જ બેસી રહ્યો. એની પરીક્ષાઓ પૂરી થવાનો આનંદ છીનવાઈ ગયો હતો. માનસીના છેલ્લા શબ્દો એના દિમાગમાં ઘુમરાયા કરતા હતા. અને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો કે એણે સારું શું કામ કીધું!!! એવું કેમ ના પૂછ્યું કે તારી મમ્મીને ભલે ના ગમે, તને ગમે છે કે નહિ? હવે એને આ સવાલનો જવાબ કેમ કરીને મળશે!!!!
અને રાજેશ માટે આ સવાલ હમેંશા અનુત્તર જ રહ્યો કેમકે પછી આખી જિંદગી એ માનસી જોડે વાત કરી શક્યો નહિ.....
--------------------------------------------------------------------------
અભિપ્રાયો અને ટીકાઓ આવકાર્ય છે....