Sunday, April 18, 2010

જલન...

આલયને પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તે ઉદાસી પણ અનુભવી રહ્યો હતો. હતાશા... નિરાશા... દુઃખ... આક્રોશ.... એક સાથે આટલી બધી લાગણીઓ પોતાની અંદર, પોતાના માટે અનુભવી રહ્યી હતો, એને ખબર નહોતી પડી રહી કે આવું કેમ થઇ રહ્યું છે!!!
હજી થોડી વાર પહેલાં તો તે ખુબ જ ખુશ હતો. મસ્ત મજાનાં કપડાં પહેરીને, પરફ્યુમ લગાવીને અને વાળમાં gel લગાડીને તૈયાર થઇ રહ્યો હતો અને.... આજે ૭-૮ વર્ષ પછી એની મિત્ર, બિરવાને મળવા જઈ રહ્યો હતો. આલયે બિરવાને ફોન લગાડ્યો કે હું આવી રહ્યો છું તને મળવા તારા ઘરે, કોઈ મહેમાન તો નથી ને. બિરવાએ તદ્દન નિર્દોષ રીતે કહ્યું કે, આવી જ જા ને. જીવન જ બેઠો છે. બસ... થઇ રહ્યું... આલયને ગુસ્સો આવી ગયો... એને ગુસ્સાથી કહી દીધું, તું જ મળ જીવનને. હું નથી આવતો. આવજે...  
હકીકતમાં, આલય અને બિરવા ૧૦ વર્ષ પહેલા મળ્યા હતા, કોલેજમાં. બંને એક જ કોલેજમાં, એક જ ક્લાસમાં હતા અને તેમની સોસાયટી પણ એક જ હતી એટલે રોજ સાથે આવવા-જવાને લીધે ટૂંક સમયમાં જ સરસ દોસ્તી થઇ ગઈ હતી. આલયની જિંદગીમાં બિરવા પહેલી જ છોકરી હતી. એ બહુ શરમાળ હતો એટલે સ્કુલ સમયમાં કોઈની સાથે એની દોસ્તી થઇ નહોતી. અહી પણ રોજ ભેગા આવવા-જવાને લીધે જ દોસ્તી વધી હતી.
સામાન્ય રીતે જુવાન છોકરાના જીવનમાં જે પહેલી છોકરી આવી તેની જોડે તેને પ્રેમ થતો જ હોય છે અને એવું જ આલય જોડે થયું. એને ખબર જ ના પડી કે ક્યારે એ બિરવાને ચાહવા લાગ્યો હતો. પણ આલયને જયારે ખબર પડી કે એ બિરવાને પ્રેમ કરવા લાગ્યો ત્યારે આનંદને બદલે દુઃખી થયો હતો. કારણકે બિરવા તો પહેલેથી જ એક છોકરા જોડે પ્રેમમાં હતી અને એને એ વાત બિરવાએ સૌથી પેહલા આલયને જ કરી હતી., તે છોકરાને હા પાડતાં પહેલા પણ તેણે આલયને પોતાનો નિર્ણય જણાવ્યો હતો. આલય તેનો સૌથી નજીકનો મિત્ર હતો. અને આલયને એ વાતનું ગર્વ હતું. આલયે પછી પોતાની લાગણીઓ છુપાવીને એ વાતે ખુશ રેહતો હતો કે તે બિરવાનો સૌથી નજીકનો મિત્ર હતો પણ કોલેજનાં છેલ્લા વર્ષમાં એ ખુશી પણ જતી રહી હતી. બિરવાનો સ્વભાવ ખુબ જ મિત્રતા ભર્યો હતો, એને આલય જેટલી જ દોસ્તી એક બીજા છોકરા, જીવન જોડે થઇ હતી. એક દિવસ આલયે બિરવાને એવું બોલતા સાંભળી હતી કે તેને માટે આલય અને જીવન બંને સરખા નજીકના દોસ્તો છે. એ વખતે આલય ખુબ જ નિરાશ થયો હતો. એ પછી આલયે જાતે જ બિરવા જોડે દોસ્તી ઓછી કરી દીધી હતી, એ બિરવાના પ્રેમીને સહન કરી લેતો પણ દોસ્તીમાં ભાગ તેને મંજુર નહોતો. જો કે જીવન પણ આલય નો મિત્ર જ હતો.... તો પણ... આલયને જીવનની અને બિરવાની દોસ્તી મંજુર નહોતી. 
એ પછી તો બિરવા તેના પ્રેમી જોડે લગ્ન કરીને લંડન જતી રહી હતી અને આલય પણ એના પિતાના ધંધામાં સેટલ થઇ ગયો હતો. અને બિરવા કે જીવન જોડે કોઈ સંપર્ક હતો નહિ. 
પણ આ તો ભૂતકાળ ની વાતો હતી. હવે તો આલયને એમ હતું કે આ ગુસ્સા, જલન, એ બધી લાગણીઓથી એ પોતે ઉપર ઉઠી ચુક્યો છે. હવે તો કદાચ એ બિરવાને પહેલા જેટલો પ્રેમ પણ કરતો ન હતો અને એટલે જ તો છેલ્લા ૬-૭ વર્ષથી કોઈ સંપર્કમાં પણ નહોતો. આ તો અચાનક એક જુનો મિત્ર મળી ગયો જેના દ્વારા બિરવા અત્યારે ભારત આવેલી છે એવી ખબર પડી તો થયું કે જુના સંબધના પ્રતાપે મળવું જોઈએ એટલે...
પણ તો પછી... આજે જયારે પોતાની જેમ જ જીવન પણ બિરવાને મળવા આવ્યો છે એવું જાણીને પોતાને આટલો ગુસ્સો.. કેમ આવ્યો.. છેલ્લે એક જ જવાબ મળ્યો આલયને... આજે પણ હજી બિરવા માટે એ પ્રેમ પોતાના  દિલમાં છે કે એ ખબર નાહી પણ એ જીવન માટેની જલન તો પોતાના દિલમાં છે જ.... એ રજનીશની ચોપડીઓ, એ ફિલસુફીની ચોપડીઓ વાંચીને પણ હજી મોક્ષનો માર્ગ, મુક્તિનો આનંદ હજી દુરની વાત છે. હજી પોતે અદનો આદમી જ છે જે આ સંસારની માયાજાળમાંથી ક્યારેય મુક્ત થતો નથી.... 

2 comments:

Rajni Agravat said...

સરસ વાર્તા. આગે બઢો...

Anish Patel said...

આભાર રજનીભાઈ...
હજુ ઘણું કાચું છે વાર્તાલેખન આપણું.. હજી ઘણું આગળ વધવાનું છે...