Labels

Wednesday, November 18, 2009

મુંબઈ શહેર....

આમ તો મુંબઈ આવ્યા પછી.. અહી ૩ મહિના રહ્યા પછી ઘણું લખવાનું મન થયું છે આ શહેર વિષે પણ હજી જોઈએ એવા શબ્દો અને અનુભવો મળતા નથી.. પણ હમણાં બક્ષી-એક જીવની વાંચી રહ્યો છુ અને એમાં બક્ષીજીએ મુંબઈ માટે કવિતા લખી છે અને મને ગમી છે તો એ અહી છાપી મારું છુ...
-----------------------------------------------------------------------------------------------
મુંબઈ.. રાતે ખોવાઈ જતા તારાઓ અને ઓફીસ ટાઇમે આવતી દરિયાની ભરતી... દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની.. અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં.. હવે લોહી નીકળતું નથી, લેસ્બીઅનોના વિશ્વમાં.. ઓમલેટ ટ્રાય કરતાં ઘાસાહારીઓના પરાક્રમદેશમાં... રાતો વપરાતી નથી અને વેનીલાની ખુશ્બુથી પેટ ભરાઈ જાય છે...
કોન્ક્રીટ ચાવતાં મશીનો અને.. અટરલી બટરલી સંસ્કારી થઇ ગયેલા લક્ષ્મીબાજો.. કેસેટની ધાર પર ઝુલતા અવસાદ ગીતો, જઠરમાં સીરોસીસ પાળતા નવા બાળકો.. ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયા છે.. હાડકાંઓના અક્ષાંશ-રેખાંશ માપતા સફળ માણસો... તમારા એરકન્ડીશંડ મુલકમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ?...
નામી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મુળિયાવાળી ખુશ્ક ઔલાદો.. ઈમ્પોર્ટેડ ભાષા.. કાયદેસર ગુસ્સો, ક્રોમીંયમ પ્લેટેડ પ્રેમ.. ચુંબનોનો પુનરજન્મ, શેરબજારમાં ખરીદતી શાંતિના ભાવ... સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં.. રેડિયો કંપનીના વિજ્ઞાપનનો પરાગ ઝરે છે.. ખુલ્લા સમશાન પર અને ઝોપડપટ્ટી ના દેશ પર.. જે કારના દરવાજા ની બહાર શરુ થાય છે..
આજે આ શહેર મારું છે.. કાગડાના માળામાં હું પણ ઈંડા મુકતા શીખી ગયો છું.. હવે મારા દાંત સુંવાળા થઇ ગયા છે.. મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી.. કારણ કે ટીવીની સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે...
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી.
------------------------------------------------------------------------------------------

1 comment:

Rajni Agravat said...

હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી.= yes True abt Baxijee